ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકોના કરારને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.
શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે 31 જુલાઈ 2024ના રોજ પૂર્ણ થતી કરારની અવધિને ધ્યાને રાખીને, જેમણે મંજૂર થયેલા અને ખાલી જગ્યાઓ પર કામગીરી કરી છે, તેમના કરાર રીન્યુ કરવામાં આવશે.
જો 31 જુલાઈ 2024ની સ્થિતીએ શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી ન હોય તો તે શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવશે.
બદલી કેમ્પ પૂર્ણ થયા પછી ખાલી રહેલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવશે.


પરિપત્રની મુખ્ય વિગતો
- 31 જુલાઈ 2024ની સ્થિતિ: જો શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી હોય અને તે શાળાઓમાં જ્ઞાન સહાયક કાર્યરત હોય, તો શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરાર રીન્યુ કરાશે.
- બદલી કેમ્પ: 11 મે 2023ના ઠરાવ પ્રમાણે, વધ-ઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ અને જિલ્લા ફેર બદલી કેમ્પમાં ખાલી જગ્યા પસંદ કરવામાં આવે તો તે જગ્યા પર કાર્યરત જ્ઞાન સહાયકોને છૂટા કરાશે.
- ખાલી જગ્યાઓ પર નિમણૂક: કેમ્પની તમામ કાર્યવાહી પૂર્ણ થયા પછી, સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી રહેલી જગ્યાઓ પર રાજ્ય કક્ષાએથી જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયકોને લઇને લેવાયેલા આ નિર્ણયમાં ક્યારેય ન કરી હોય તેવા ફેરફારો કરવામાં આવ્યા છે. 31 જુલાઈ 2024ની સ્થિતી મુજબ જગ્યા ખાલી હોય તો જ જ્ઞાન સહાયકના કરાર રીન્યુ કરાશે, અને ખાલી જગ્યા ન હોય તો તેમને છૂટા કરવામાં આવશે.